જમીન લે-વેચ વિવાદમાં પૈસા બાબતે ઈન્દ્રજીતે દીપકને મોતને ઘાટ ઉતાર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતા અને તાજેતરમાં અમદાવાદ આવેલા ૬૦ વર્ષના NRI દીપક પટેલનો મૃતદેહ મળી આવ્યા પછી પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ૬૫ લાખ રૂપિયાની રકમના મામલે તેમને શીલજમાં રહેતા ઈન્દ્રજીતસિંહ વાઘેલા સાથે વિવાદ ચાલતો હતો અને દીપક પટેલે આ રૂપિયા આપ્યા ન હોવાથી ઈન્દ્રજીત વાઘેલાએ તેમની હત્યા કરી હતી. વાઘેલા પોલીસના હાથે ઝડપાઈ ગયો છે અને ગુનો પણ કબૂલી લીધો છે.
મૂળ કેલિફોર્નિયાના રહેવાસી દીપકભાઈ પટેલ અમદાવાદના થલતેજ એરિયામાં પામબીચ બંગલોમાં રહે છે. તેમની હત્યા કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે જમીન લે-વેચનું કામ કરતા અને શીલજમાં રહેતા ઈન્દ્રજીતસિંહ વાઘેલાને પકડ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે મરનાર દીપક પટેલે ઈન્દ્રજીતસિંહ વાઘેલા સાથે મળીને એક જમીનની ડીલ કરી હતી જેમાં તેમના ૬૫ લાખ રૂપિયા નીકળતા હતા. દીપક પટેલે આ રકમ ચૂકવી ન હોવાથી ગુરુવારે તેમના માથામાં પાઈપ મારીને તેમની હત્યા કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યા પ્રમાણે કેલિફોર્નિયાના વતની દીપક પટેલ નવરાત્રી અને દિવાળીની રજાઓ માણવા પત્ની અલ્પાબેન સાથે બે મહિના અગાઉ અમદાવાદ આવ્યા હતા અને થલતેજમાં રહેતા હતા. તેઓ જ્યારે અમેરિકાથી ભારત આવતા ત્યારે જમીનની લે-વેચનું કામ કરતા હતા. ગુરુવારે રાતે કોઈ વ્યક્તિને મળવા તેઓ બહાર ગયા પછી પાછા નહોતા આવ્યા. બીજા દિવસે ગોધાવી પાસે ગરોડિયા ગામ નજીક તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના માથા અને મોઢા પર ઈજા થયેલી હતી.
પોલીસે સ્પેશિયલ ટીમ બનાવીને તપાસ કરતા જાણવા મળ્યું કે દીપક પટેલ અહીંના જમીન દલાલ ઈન્દ્રજીતસિંહ વાઘેલા સાથે મળીને કામ કરતા હતા. ઈન્દ્રજીતસિંહ વાઘેલાનો ફોન સ્વિચ ઓફ આવતો હતો અને તપાસ કરતા ફોન શીલજના અનન્ય બંગલોમાંથી મળી આવ્યો હતો. પોલીસની શંકા મજબૂત બની અને શનિવારે એક ફાર્મહાઉસમાંથી ઈન્દ્રજીતસિંહ વાઘેલાને પકડી લેવાયો હતો.