ડીજીટલ એરેસ્ટની ધમકી આપી લાખો રૂપિયા પડાવતા
ગેંગના ખાતાધારક અને બેન્ક ખાતા ખોલવામાં મદદ કરનારા યશ બેન્કના કર્મચારીઓની ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી પોલીસ અને CBI ના ઉચ્ચ અધિકારીઓના નામે વાતચીત કરીને તેમના નામના આધારકાર્ડનો ઉપયોગ કરીને પાર્સલ મોકલીને તેમાં પાસપોર્ટ, ATM કાર્ડ અને MD ડ્રગ્સ હોવાનું કહીને સીનીયર સિટીઝનોને છેતરતી ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે.
આરોપીઓ સીનીયર સિટીઝનોને ધમકાવીને તેમના નામનું કોર્ટમાંથી વોરન્ટ નીકળ્યું છે કહીને વિડીયો કોલ કરીને ડીજીટલ એરેસ્ટ કરી લેવાની ધમકી આપતા હતા. બાદમાં ભોગ બનનારાઓ પાસેથી નાણાં પડાવતા હતા. પોલીસે આ કેસમાં આ ગેંગના ખાતા ધારક અને બેન્ક ખાતા ખોલવામાં મદદ કરનારા યશ બેન્કના કર્મચારીઓની ધરપકડ કરી હતી.
આ કેસની વિગત મુજબ ૧૬ નવેમ્બર ૨૦૨૪ના રોજ અમદાવાદમાં રહેતા એક સીનીયર સિટીઝને સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે અજાણી વ્યક્તિઓએ વોટ્સએપ કોલ કરીને પોતે દિલ્હી પોલીસમાંથી બોલતા હોવાનું કહ્યું હતું, બાદમાં સીનીયર સિટીઝનના આધારકાર્ડનો ઉપયોગ કરીને એક પાર્સલ મોકલવામાં આવ્યું હતું. જેમાં ૧૬ પાસપોર્ટ, ૫૮ ATM કાર્ડ અને ૧૪૦ ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું છે કહીને તેમની સામે પોલીસ ફરિયાદ થઈ છે, એમ જણાવ્યું હતું. કોર્ટે આ કેસમાં તેમની વિરૂધ્ધ એરેસ્ટ વોરન્ટ પણ ઈશ્યું કર્યું છે અને તપાસમાં ,હકાર નહી આપે તો આ કેસમાં ફસાવી દેવાની સીનીયર સિટીઝનને ધમકી આપી હતી. બાદમાં ડીજીટલ એરેસ્ટ કરી તેમનું નિવેદન મેળવવા ના નામે ફરિયાદી પાસેથી તેમના બેન્ક બેલેન્સની માહિતી મેળવી લઈને વેરીફિકેશન માટે પૈસા મોકલી આપવા કહ્યું હતું.
ફરિયાદી જે પૈસા ભરશે તે વેરીફાઈ કર્યા બાદ પરત મળી જશે એમ પણ છેતરપિંડી કરનારા શખ્સે જણાવ્યું હતું, તે સિવાય ફરિયાદીનો વિશ્વાસ મેળવવા CBI ના લોગો વાળો અને દિલ્હીના કોર્ટના નામના RBI ના સહી સિક્કા વાળા બનાવટી પત્રોના ફોટા મોકલ્યા હતા. આ પ્રકારે આ ગેંગે દ્વારા ફરિયાદી પાસેથી રૂ.૧,૧૫,૦૦,૦૦૦ બળજબરીપુર્વક પડાવ્યા હતા.
આ ફરિયાદને આધારે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરીને આરોપીઓએ ફરિયાદીના પૈસા જે બેન્ક એકાઉન્ટમાં મેળવ્યા હતા તેના ધારકો અને અને નાણાં વીડ્રો કરવામાં , કોઈપણ પ્રકારના પ્રુફ વગર બેન્ક ખાતુ ખોલી આપવામા મદદ કરનારા યશ બેન્ક ડીસા બ્રાંચના તથા રાજસ્થાન મેરતા બ્રાંચના કર્મચારી અને છેતરપિંડી કરતી ગેંગના સભ્યોને પોલીસે ઝડપી લીધા હતા.જેમાં બનાસકાંઠાના જીગર એલ જોશી, જતીન એમ.ચોખાવાલા, દિપક ઉર્ફે દિપુ ભેરૂમલ સોની, માવજીભાઈ એ.પટેલ, અને રાજસ્થાનના અનિલ એસ મુંડાનો ,માવેશ થાય છે. તપાસમાં જતીન યશ બેન્ક ડીસામાં પર્સનલ બેન્કર તરીકે નોકરી કરે છે.આરોપી દિપક પણ યશ બેન્ર ડીસામાં પર્સનલ બેન્કર છે. જ્યારે માવજીભાઈ યશ બેન્ક ડીસામાં ડેપ્યુટી મેનેજર છે. અનિલકુમાર યશ બેન્ક મેરતા બ્રાંચ રાજસ્થાનનામં પર્સનલ બેન્કર છે.પોલીસે ૧.૧૫ કરોડ પૈકી રૂ.૬૩,૬૦,૬૪૨ જુદા જુદા બેન્ક ખાતામાં ફ્રીઝ કરવામાં આવ્યા છે. રૂ.૧૧,૦૦,૦૦૦ રોકડા અગાઉ ધરપકડ કરાયેલા આરોપી પાસેથી કબજે કરાયા હતા. જ્યારે જીગર પાસેથી રૂ.૯,૦૦,૦૦૦ કબજે કરાયા છે.