બે મહિલા ભૂસ્તરશાસ્ત્રી દટાયાં જેમાંથી એકનું મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર ગણાતા એવા ધોળકાના લોથલમાં માટીના સેમ્પલ લેવા ખાડામાં ઉતરેલા ૨ મહિલા ભૂસ્તરશાસ્ત્રી દટાયાં હતાં. આ બે ભૂસ્તરશાસ્ત્રીમાંથી એક અધિકારીનું મૃત્યુ થયું છે.
મળતા અહેવાલ મુજબ, દિલ્હી અને ગાંધીનગરની ટીમ રિસર્ચ માટે લોથલ પહોંચી હતી. અચાનક માટીની ભેખડ ધસી પડતા બંને મહિલા અધિકારીઓ દટાયાં હતાં. આ અધિકારીઓને બહાર કાઢવા પોલીસ અને ફાયર વિભાગની ટીમ કામે લાગી હતી. ગાંધીનગરથી દિલ્હીના ચારથી વધુ અધિકારીઓ લોથલ પહોંચ્યા હતા. મૃત પામેલાં મહિલા અધિકારી દિલ્હીનાં હોવાનું પ્રાથમિક અનુમાન છે.
અમદાવાદ જિલ્લાના લોથલમાં હાલ મેરિટાઈમ મ્યુઝિયમની કામગીરી ચાલી રહી હતી. તેની નજીકમાં જ આવેલી જૂની સાઈટ પાસે રસ્તાનું કામ ચાલી રહ્યું હતું ત્યાં જ આ બે મહિલા ભૂસ્તરશાસ્ત્રી દ્વારા એક ખાડામાં માટીના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે અચાનક જ ભેખડ ખસી પડતા બંને મહિલા ભૂસ્તરશાસ્ત્રી દટાયાં હતાં.
મળતી માહિતી મુજબ, આ બંને મહિલા ભૂસ્તરશાસ્ત્રીમાંથી એક IIT ના અને અન્ય દિલ્હીના જીઓલોજિસ્ટ છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક મહિલા ભૂસ્તરશાસ્ત્રીને બગોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ અંગે બગોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લોથલ ખાતે ત્રણ લોકો ગાંધીનગરના અને બે દિલ્હી IIT ના અધિકારીઓ પહોંચ્યા હતા, જ્યાં જૂના લોથલ પાસે ખાડા ખોદી માટીના સેમ્પલ કલેક્ટ કરવામાં આવી રહ્યા હતા. ત્યારે જ ખાડામાં કાદવના કારણે બંને મહિલા ભૂસ્તરશાસ્ત્રી ખૂંપવા લાગ્યા અને માથેથી ભેખડ ધસી પડતા બંને દટાયાં હતાં