Last Updated on by Sampurna Samachar
KYC ન હોય તો પણ બેન્કો એકાઉન્ટ ફ્રીઝ ના કરી શકે
RBI ના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથને વાત જણાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રિઝર્વ બૅન્કે તમામ બૅન્કોને કેવાયસી મુદ્દે ટકોર કરી છે, તેમજ KYC માં વિલંબ કે અધૂરા KYC પર એકાઉન્ટ ફ્રીઝ કે ડોરમેટ કરનારી બૅન્કોને ફટકાર પણ લગાવ્યો છે. બૅન્કોની ભૂલનો ભોગ ગ્રાહકો બની રહ્યા હોવાનું જણાવતાં RBI એ બૅન્કોને KYC ના દિશાનિર્દેશોનું ચુસ્તપણે અને સહાનુભૂતિ સાથે પાલન કરવા આદેશ કર્યો છે અને તેનું પાલન ન કરવા બદલ કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવા કહ્યું છે.
RBI ના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથને ખાનગી બૅન્કોના ડિરેક્ટર્સના સંમેલનમાં કહ્યું હતું કે, બૅન્કો KYC ના દિશા-નિર્દેશોનું પાલન પ્રમાણિકતા, પારદર્શિતા અને સહાનુભૂતિ સાથે કરે. બૅન્કો KYC ના અભાવે ગ્રાહકોના એકાઉન્ટને ડોરમેટ અથવા ફ્રીઝ કરી દે છે. જેનાથી સરકારી યોજનાઓના પૈસા ગ્રાહકો સુધી પહોંચી શકતા નથી. આ સિવાય અન્ય ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. બૅન્કો એકાઉન્ટ ફ્રીઝ કરી શકે નહીં. કેવાયસીના નિયમોનું પાલન નહીં કરે તો RBI બૅન્કો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી શકે છે.
ગ્રાહકો દ્વારા KYC ને સમયાંતરે અપડેટ કરાવવામાં બૅન્કો ઢીલું વલણ દર્શાવે છે, જેના લીધે વિલંબ થાય છે. આ સિવાય બૅન્કો ગ્રાહકોને KYC મુદ્દે અપર્યાપ્ત માહિતી આપી રહી હોવાથી સેવા ખોટવાય છે. ઘણી બૅન્કો KYC ની પ્રક્રિયા હોમ બ્રાન્ચ પર જ કરી રહી હોવાની ફરિયાદો RBI ને મળી છે. વધુમાં સ્વામીનાથને કહ્યું કે, બૅન્કો ગ્રાહકોનો વિશ્વાસ વધારવા માટે કામ કરે. ટૅક્નોલૉજી અને ઇનોવેશનની મદદથી બૅન્કો ગ્રાહકોને સરળ, સુલભ અને ઝડપી સેવાઓ પ્રદાન કરવાની ખાતરી કરે. KYC ના દિશાનિર્દેશોનું સચોટપણે અને સહાનુભૂતિ સાથે પાલન કરે.