મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ એકનાથ શિંદેનો આભાર માન્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલું રાજકીય ઘમાસાણ હવે અટકતું નજરે પડી રહ્યું છે. કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતે સ્પષ્ટ કરી દીધું છે કે, મહારાષ્ટ્રમાં આગામી મખ્યમંત્રી ભાજપનો બની શકે છે. શિંદેએ કહ્યું કે, મુખ્યમંત્રી પદને લઈને કોઈ નારાજગી કે ઈચ્છા નથી. તેઓ વડાપ્રધાન મોદી અને અમિત શાહના તમામ ર્નિણયોનું સમર્થન કરે છે. ત્યારે હવે શિંદેની સ્પષ્ટતા બાદ ભાજપ પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે.
મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે, ‘હું મહાયુતિના સિનિયર અને મહત્ત્વપૂર્ણ લીડર અને મુખ્યમંત્રી મહારાષ્ટ્રના એકનાથ શિંદેનો આભાર વ્યક્ત કરું છું. આજે, તેમણે તમામ શંકાઓને દૂર કરી છે. તેમણે લોકોને કહ્યું કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ અંગે જે પણ ર્નિણય લેવાનો હશે તે વડાપ્રધાન મોદી, અમિત શાહ જે પણ ર્નિણય લેશે તે સૌને માન્ય રહેશે, આ તેમની ભૂમિકા છે જે મહારાષ્ટ્ર અને પાર્ટીના હિતમાં અપનાવવામાં આવી છે.’
ચંદ્રશેખરે કહ્યું કે, ‘એકનાથ શિંદે અને મહાયુતિ પર અનેક લોકોએ સવાલો ઉઠાવ્યા અને ઘણું જૂઠ ફેલાવવામાં આવ્યું હતું પરંતુ આજે તેમણે મહાયુતિ, NDA ને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. હવે જનતાને આપેલા વચનો પૂર્ણ કરવાના છે. જનતા અને ભાજપ તરફથી એકનાથ શિંદેનો આભાર વ્યક્ત કરું છું.’
ચંદ્રશેખરે કહ્યું કે, ‘દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપને જ્યારે ઉદ્ધવ ઠાકરેએ દગો આપ્યો હતો. ત્યારે એકનાથ શિંદેએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી. તેમણે બાળા સાહેબના હિન્દુત્ત્વના એજન્ડાને આગળ લઈ જવા માટે કામ કર્યું હતું. તેમના સમર્થનથી મહાયુતિની સરકાર બની હતી. તેમના કાર્યકાળ દરમિયાન જે ૨૦૧૪ અને ૨૦૧૯થી બંધ પડેલા પ્રોજેક્ટ શરૂ કરાવ્યા અને તેને પૂર્ણ કરવાનું કામ કર્યું. એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે સાથે મળીને દેશમાં ક્યાંય ન હોય તેવી યોજનાઓ બનાવી. સમગ્ર રાજ્યમાં જ્યાં કામ અટક્યા હતા તે પૂર્ણ કર્યા.’