કોંગ્રેસે વ્યક્તિગત સુનાવણીની માંગ પણ કરી
મહારાષ્ટ્રમાં મતદાર યાદીમાં લગભગ ૪૭ લાખ નવા મતદાર સામેલ કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસે ૨૯ નવેમ્બર ૨૦૨૪ ચૂંટણી પંચને પત્ર લખીને હાલમાં જ યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાન અને ગણતરી પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે આ મુદ્દે વ્યક્તિગત સુનાવણીની માંગ પણ કરી છે. કોંગ્રેસ આરોપ લગાવ્યો છે કે, ‘મતદાર યાદીઓથી મનમાની રીતે મતદારોને હટાવવામાં આવ્યા અને દરેક વિધાનસભા વિસ્તારમાં ૧૦,૦૦૦થી વધુ મતદારોને જોડવામાં આવ્યા. મહારાષ્ટ્રના મતદાર યાદી પર એક પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારીએ પણ સવાલ ઉઠાવ્યા છે.’ કોંગ્રેસે પોતાના લેટરમાં ઉલ્લેખ કર્યો છે કે, ‘મનમાનીથી હટાવવા અને જોડવાની આ પ્રક્રિયાના કારણે જુલાઈ ૨૦૨૪થી નવેમ્બર ૨૦૨૪ વચ્ચે મહારાષ્ટ્રમાં મતદાર યાદીમાં લગભગ ૪૭ લાખ નવા મતદાર સામેલ કરાયા.’
પાર્ટીએ દાવો કર્યો કે, ‘જે ૫૦ વિધાનસભા વિસ્તારોમાં સરેરાશ ૫૦,૦૦૦ નવા મતદારોને જોડવામાં આવ્યા, તેમાંથી ૪૭ બેઠકો પર સત્તાધારી ગઠબંધન અને તેમના સહયોગીઓને જીત મળી.’
કોંગ્રેસે ચૂંટણી પંચ તરફથી જાહેર કરાયેલા આંકડા પર પણ સવાલ ઉઠાવ્યા. પાર્ટીએ કહ્યું કે, ‘૨૧ નવેમ્બર ૨૦૨૪ના રોજ સાંજે ૫ વાગ્યાથી ૬ વાગ્યા વચ્ચે લગભગ ૭૬ લાખ મત પડ્યા.’ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતા મતપત્રોના ઉપયોગની માંગ કરી. તેમણે કહ્યું કે, ‘અમારે EVM નહીં, બેલેટ પેપર જોઈએ.’ઉલ્લેખનીય છે કે, હાલમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપના નેતૃત્વવાળા મહાયુતિ ગઠબંધનને ૨૮૮માંથી ૨૩૦ બેઠકો પર જીત મળી. ભાજપે ૧૩૨, શિવસેનાએ ૫૭ અને NCP એ ૪૧ બેઠકો જીતી. ત્યારે, મહાવિકાસ અઘાડીને કુલ ૪૬ બેઠકો મળી, જેમાં કોંગ્રેસની ભાગીદારી માત્ર ૧૬ બેઠકો પર રહી.