ઝારખંડમાં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે મુકાબલો
મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓના ભાવિનો ફેંસલો થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં બુધવારે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. સવારે ૭ વાગ્યાથી બંને રાજ્યોના મતદાન મથકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું હતું. મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાશ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો ફેંસલો થશે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં જે મતદાન થયું હતું તેનું ૨૩મીએ પરિણામ જાહેર કરાશે. બીજી તરફ, ઝારખંડમાં બીજા(અંતિમ) તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને ૨૩ નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. ઝારખંડમાં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે મુકાબલો છે. આ સિવાય ચાર રાજ્યોની ૧૫ બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે.
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે થયેલા મતદાનના લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે. જેમાં સાંજે ૫ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં ૫૮.૨૨ ટકા અને ઝારખંડમાં ૬૭.૫૯ ટકા મતદાન થયું છે.સલમાન ખાન બાદ હવે એક્ટર શાહરૂખ ખાન પણ પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન બુથ પર પહોંચ્યો હતો. શાહરૂખ ખાને તેમના પત્ની ગૌરી ખાન, દીકરી સુહાના ખાન અને દીકરા આર્યન ખાન સાથે મતદાન કર્યું હતું. ઉત્તરપ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે.
કરહલ, કુંદરકી, સીસામઉ, કટેહરી, ગાઝિયાબાદ, ખૈર, મઝવાં, મીરાપુર, ફૂલપુર આ નવ બેઠકો પર મતદાન થયું છે. બોલીવૂડ એક્ટર સલમાન ખાનનો પરિવાર મતદાન કરી ચૂક્યો છે. હવે સલમાન ખાન મુંબઈના માઉન્ટ મેરી સ્કૂલ પોલિંગ બૂથ પર મત આપવા માટે પહોંચ્યા હતા. સલમાન ખાન હાઈ સિક્યોરિટી વચ્ચે મતદાન આપવા પહોંચ્યા હતા.
જણાવી દઈએ કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા સતત તેમને ધમકીઓ મળી રહી છે, જેના કારણે તેમની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. સેફ અલી ખાન અને કરીના કપૂરે મતદાન કર્યું. પાવર કપલ વ્હાઇટ આઉટફિટમાં ટિ્વનિંગ કરતું જોવા મળ્યું. એક્ટ્રેસ વ્હાઇટ કૂર્તા-બ્લૂ જિન્સમાં નજરે પડી. જ્યારે સેફ વ્હાઇટ ટી-શર્ટમાં જોવા મળ્યો. કરીનાની બહેન કરિશ્મા પણ મતદાન મથકે પહોંચી હતી. યુપીમાં પેટાચૂંટણીમાં ભારે હોબાળો, પથ્થરમારો અને લાઠીચાર્જના કારણે ચૂંટણી પંચ એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી પંચે યુપીમાં તૈનાત તમામ અધિકારીઓને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા કડક આદેશ આપ્યા છે. આટલું જ નહીં ચૂંટણી પંચે કહ્યું છે કે ક્યાંય પણ ગરબડ લાગે તો સોશિયલ મીડિયામાં ફરિયાદ કરવામાં આવે. ચૂંટણી પંચે યુપીના અધિકારીઓને આદેશ આપ્યા છે કે કોઈ પણ વ્યક્તિને મત આપવાથી રોકવામાં ન આવે. પક્ષપાત કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કાનપુરમાં પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.
બિટકોઇન કાંડ મામલે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે, કે ‘ભાજપ ગમે તેટલું જુઠ્ઠાણું ફેલાવે. સત્ય તો સામે આવીને જ રહેશે. લોકો મોટી સંખ્યામાં મતદાન કરે.’ વિનોદ તાવડે પર કેશ આપીને વોટ ખરીદવાના આરોપ લાગી રહ્યા છે. એવામાં ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે તેમનો બચાવ કરતાં કહ્યું છે, કે ઈકો સિસ્ટમનો ખોટો ઉપયોગ કરીને વિનોદ તાવડેને ફસાવવામાં આવી રહ્યા છે. બિટકોઇન મામલે ભાજપે લગાવેલા ગંભીર આરોપ પર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ જવાબ આપ્યો છે. નાનાએ કહ્યું છે, ‘ઓડિયોમાં મારો અવાજ નથી. હું તો ખેડૂત છું. બિટકોઇન એટલે શું એ મને સમજાતું નથી. અમે ભાજપ નેતાઓ પર બદનક્ષીનો કેસ કરીશું.’ મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ થાણેમાં મતદાન કર્યું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ મતદાન બાદ કહ્યું હતું, કે ‘મહારાષ્ટ્રમાં પણ મહા વિકાસ આઘાડીની જ સરકાર બનશે. કોંગ્રેસને સૌથી વધુ મત મળવાના છે.’
યુપીની મીરાપુર તથા કુંદરકી વિધાનસભા બેઠક પર થઈ રહેલી પેટાચૂંટણીમાં પોલીસ પર ગંભીર આરોપ લાગી રહ્યા છે. આરોપ છે કે પોલીસ લોકોને મત આપવાથી રોકી રહી છે અને મતદાન કેન્દ્રથી ધક્કા મારીને કાઢવામાં આવી રહ્યા છે. જે બાદ ટોળેટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે, કે ‘તમારા હિતોની રક્ષા કરવા તથા ભવિષ્ય માટે મોટી સંખ્યામાં મતદાન કરો. તમારો મત જળ, જમીન, અને જંગલની રક્ષા કરશે.’
ભારતના પૂર્વ સ્ટાર ક્રિકેટર તથા ભારત રત્ન સચિન તેંડુલકરે પરિવાર સાથે મુંબઈમાં મતદાન કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયામાં તસવીર પણ શેર કરી છે. સચિને લોકોને અપીલ કરતાં કહ્યું છે, કે ‘તમે પણ વોટ કરો, કારણ કે દરેક વોટ કિંમતી હોય છે.’
દ્ગઝ્રઁ જીઁ નેતા સુપ્રિયા સુલેએ આજે પરિવાર સાથે મતદાન કર્યું હતું. ભાજપ દ્વારા સુપ્રિયાની એક ઓડિયો વાઇરલ કરવામાં આવી રહી છે. જેમાં પૈસાની હેરાફેરીનો આરોપ છે. એવામાં સુપ્રિયાએ કહ્યું છે કે મેં તો સાઇબર ક્રાઇમમાં આ મામલે ફરિયાદ આપી છે. આટલું જ નહીં ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદી સામે નોટિસ પણ આપી છે. શરદ પવારના પૌત્ર રોહિત પવારનો આરોપ છે કે ઈફસ્માં મારા નામ સામે કાળું નિશાન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચ આ નિશાનને તાત્કાલિક હટાવે.
અભિનેતા અક્ષય કુમાર, રાજ કુમાર રાવ, કબીર ખાન, સોનુ સૂદ, જોન અબ્રાહમ અને રિતેશ દેશમુખ વહેલી સવારે જ મતદાન કર્યું હતું. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે ભાઉસાહેબ સ્કૂલમાં મતદાન કર્યું. તેમણે લોકોને મતદાનની અપીલ કરતાં કહ્યું હતું, કે ‘લોકતંત્રમાં મતદાન દરેક નાગરિકની ફરજ છે. હું ઉત્તરાખંડમાં હતો, કાર્યક્રમ ટૂંકાવીને મતદાન કરવા આવ્યો છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઝારખંડ અને મહારાષ્ટ્રના લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું, કે તમારો એક ક મત રાજ્યની તાકાત છે. ઉત્સાહ સાથે લોકતંત્રના ઉત્સવની રોનક વધારો.
મહારાષ્ટ્રમાં અલગ-અલગ મોરચા પર અલગ અલગ લડાઈઓ છે. બંને પવાર અને શિંદે-ઠાકરે પોતાની પાર્ટીઓ વચ્ચે જબરદસ્ત લડાઈ શરૂ છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાના ૨૮૮ સભ્યોને ચૂંટવા માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર ૨૦૧૯માં યોજાઈ હતી. જ્યારે ઝારખંડની વાત કરીએ તો રાજ્યની તમામ ૮૧ બેઠકો છે, જેમાં બીજા તબક્કામાં બાકીની ૩૮ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં ૫૨૮ ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચમી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર ૨૦૧૯માં યોજાઈ હતી.
ભાજપ ૧૪૯ બેઠકો પર, શિવસેના ૮૧ બેઠકો પર અને અજિત પવારની આગેવાની હેઠળની NCP એ ૫૯ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસે ૧૦૧, શિવસેના ૯૫ અને NCP (SP) ૮૬ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ૫૦થી વધુ સીટો પર બંને શિવસેનાના ઉમેદવારો એકબીજાની સામે છે, જ્યારે ૩૭ સીટો પર બંને પવારે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. પશ્ચિમ મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજાની લડાઈ રસપ્રદ છે, એક સમૃદ્ધ વિસ્તાર છે જ્યાં પવાર કુળના મૂળ છે. રાજ્યના ચાર વખત પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે ‘દેશદ્રોહીઓને હરાવવા’ અપીલ કરી છે. તે સ્પષ્ટ છે કે તેઓ તેમના ભત્રીજા અજિત પવાર અને તેમના ઉમેદવારો તરફ ઈશારો કરી રહ્યા છે. તેના બદલામાં ભત્રીજા અજિત પવારે તેમની વિરુદ્ધ તીક્ષ્ણ શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે. લોકસભા ચૂંટણીમાં NCP (SP) એ NCP ની એક બેઠક સામે આઠ બેઠકો જીતી હતી. જ્યારે શિવસેના (UBT ) નવ બેઠકો પર જીતી હતી જ્યારે શિવસેના સાત પર જીતી હતી.