Last Updated on by Sampurna Samachar
વક્ફ બિલથી મુસ્લિમોના અધિકારો છિનવાશે
વિરોધ પક્ષોએ આ બિલની કડક શબ્દોમાં ટીકા કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજુ કરાયેલા વક્ફ બિલનો વિરોધ કર્યો છે. તેમણે બિલને બિનસાંપ્રદાયિકતા વિરોધી ગણાવી કહ્યું છે કે, વક્ફ બિલથી મુસ્લિમોના અધિકારો છિનવાશે. તેમણે આક્ષેપ કર્યો છે કે, કેન્દ્ર સરકારે રાજ્યો સાથે ચર્ચા-વિચારણા કર્યા વગર આ બિલ રજૂ કર્યું છે. આ બિલ સંઘીય માળખું અને બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતોથી વિપરીત છે.
મમતા બેનરજીએ કહ્યું કે, ‘આ બિલ એક ખાસ વર્ગને જાણીજોઈને બદનામ કરવાનો પ્રયાસ છે. તેના કારણે મુસ્લિમોના ધાર્મિક અને સામાજિક અધિકારો પર હુમલો થશે. કેન્દ્ર સરકારે આ બિલ મુદ્દે અમારી સાથે કોઈપણ ચર્ચા-વિચારણા કરી નથી. જો કોઈ ધર્મ પર હુમલો થશે તો હું તેનો સંપૂર્ણ વિરોધ અને નિંદા કરીશ.’
વિરોધ પક્ષોએ આ બિલની કડક શબ્દોમાં ટીકા કરી છે. વિપક્ષોનું કહેવું છે કે, વક્ફ અધિનિયમમાં કરાયેલું સંશોધનથી મુસ્લિમોના ધાર્મિક અધિકારોનું ઉલ્લંઘન થયું છે અને આ બિલ બિનસાંપ્રદાયિકતા વિરોધી હોવાનું મનાય છે. બીજીતરફ સત્તાધારી ભાજપે બિલનું સમર્થન કરી કહ્યું છે કે, ‘આ બિલના કારણે વક્ફ બોર્ડના કામકાજમાં પારદર્શિતા આવશે અને વક્ફ સંપત્તિઓનું શ્રેષ્ઠ સંચાલન કરવા માટે જવાબદારી સુનિશ્ચિત થઈ શકશે. કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ વક્ફ બિલની તપાસ કરવા માટે એક સંસદીય સમિતિની રચના કરી છે.
સંસદના શિયાળુ સત્રના પ્રથમ અઠવાડિયાના છેલ્લા દિવસે સંયુક્ત સંસદીય સમિતિએ વક્ફ બિલ અંગે તેનો રિપોર્ટ રજૂ કરવાનો હતો. શિયાળુ સત્રના એજન્ડામાં પણ આ મુદ્દો સામેલ હતો. જોકે જેપીસીમાં સામેલ વિપક્ષના સાંસદો કાર્યકાળ આગળ વધારવાની માંગ કરી રહ્યા હતા. આ સમિતિનું નેતૃત્વ કરનારા ભાજપના સાંસદ જગદંબિકા પાલે દાવો કર્યો હતો કે, તેમનો રિપોર્ટ તૈયાર છે.
જોકે જેપીસીનો રિપોર્ટ ગૃહમાં રજૂ થાય તેના એક દિવસ પહેલા જ જેપીસીનો કાર્યકાળ વધારવાનો પ્રસ્તાવ મંજૂર કરી લેવામાં આવ્યો છે. જેપીસી પ્રમુખ પાલે વધુ સમયની માગ કરતા કાર્યકાળ વધારવા સંબંધિત પ્રસ્તાવ લોકસભામાં રજૂ કર્યો હતો જેને પસાર કરી દેવામાં આવ્યો હતો. આ ર્નિણય બાદ વક્ફ બિલ આગામી બજેટ સત્ર ૨૦૨૫ના છેલ્લા દિવસે પોતાનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરશે. વકફ (સુધારા) બિલ એ ૨૦૨૪ માં રજૂ કરાયેલ એક કાયદાકીય દરખાસ્ત છે, જેનો ઉદ્દેશ્ય વક્ફ બોર્ડની કામગીરીમાં સુધારા અને પારદર્શિતા લાવવાનો છે. વક્ફ બોર્ડ, જે ભારતીય મુસ્લિમ સમુદાયની ધાર્મિક મિલકતોનું સંચાલન કરે છે. આ બિલ દ્વારા તેમાં કેટલાક સુધારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.