Last Updated on by Sampurna Samachar
હિંસા અને ઉશ્કેરણીની વધતી ઘટનાઓથી ચિંતિત છીએ
બાંગ્લાદેશને અલ્પસંખ્યકોની સુરક્ષા માટે પગલાં ભરવાનું આહ્વાન કરતુ વિદેશ મંત્રાલય
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યકો વિરૂદ્ધ વધતા સંકટ અને ટાર્ગેટેડ હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચારના મુદ્દાઓ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે, ‘ભારતે હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર ખતરાઓ અને ટાર્ગેટેડ હુમલાઓના મુદ્દાઓને બાંગ્લાદેશ સરકાર સમક્ષ સતત અને મજબૂતીથી ઉઠાવ્યા છે.’
તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ‘આ મામલે અમારું સ્પષ્ટ વલણ છે કે, વચગાળાની સરકારને તમામ લઘુમતીઓની સુરક્ષાની પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. અમે કટ્ટરપંથી નિવેદનબાજી, હિંસા અને ઉશ્કેરણીની વધતી ઘટનાઓથી ચિંતિત છીએ.’
વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, ‘આ ઘટનાક્રમોને માત્ર મીડિયા દ્વારા ચગાવવામાં આવી રહ્યો છે તેવું સમજીને નકારી ન શકાય. ઈસ્કોન એક વિશ્વસ્તરીય પ્રતિષ્ઠિત સંગઠન છે, જેનો સમાજ સેવાનો મજબૂત રેકોર્ડ છે. અમે એકવાર ફરી બાંગ્લાદેશને અલ્પસંખ્યકોની સુરક્ષા માટે તમામ પગલાં ભરવાનું આહ્વાન કરીએ છીએ.’
ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પર વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘જ્યાં સુધી વ્યક્તિઓ વિરૂદ્ધ મામલાઓનો સવાલ છે, અમને જાણવા મળ્યું છે કે, કાયદાકીય પ્રક્રિયાઓ ચાલી રહી છે. અમને આશા છે કે આ પ્રક્રિયાઓ મામલે ન્યાયપૂર્વક, નિષ્પક્ષ અને પારદર્શી રીતે ઉકેલાશે, જેનાથી તમામ સંબંધિત લોકોને કાયદાકીય અધિકારોનું પૂર્ણ સન્માન મળે.’ આ બીજી વખત છે જ્યારે વિદેશ મંત્રાલયે આ અઠવાડિયામાં આવું નિવેદન આપ્યું હોય.
કાજી શરીફુલ ઇસ્લામની આગેવાની વાળી મેજસ્ટ્રેટ કોર્ટે હિન્દુ નેતાને જામીન આપવાની ના પાડી દીધી અને આગળની કાર્યવાહી સુધી તેને કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો. જોકે, જ્યારે પોલીસે તેમને જેલ લઈ જવાનો પ્રયાસ કર્યો તો તેમના સમર્થકોના એક મોટા જૂથે વાનને ઘેરી લીધી અને વિરોધમાં વાનને રોકવાનો પ્રયાસ પણ કર્યો.