અમેરિકાના લાંચકાંડને પગલે CM રેવંત રેડ્ડીનો ર્નિણય
અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન પ્રીતિ અદાણીને લેખિતમાં જાણ કરાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અદાણી ગ્રુપ પર અમેરિકાના પ્રોસિક્યુટર દ્વારા લગાવવામાં આવેલા ૨૨૦૦ કરોડના લાંચના આરોપ પર વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આકરી તપાસની માંગ કરી છે. જેને સમર્થન આપતાં તેલંગાણાની રાજ્ય સરકારે અદાણી ગ્રુપ પાસેથી રૂ. ૧૦૦ કરોડનું દાન નહીં સ્વીકારવાનો ર્નિણય લીધો છે.
તેલંગાણાના સ્પેશિયલ ચીફ સેક્રેટરી જયેશ રાજને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન પ્રીતિ અદાણીને લેખિતમાં જાણ કરી છે કે, ‘અમેરિકામાં અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા લાંચના આરોપો બાદ કંપની દ્વારા ઓફર કરવામાં આવેલું રૂ. ૧૦૦ કરોડનું ફંડ પરત કરી રહ્યા છીએ. આ ફંડ યુવાનોમાં સ્કીલ ક્ષમતાઓ ડેવલપ કરવા માટે યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટી માટે લેવામાં આવ્યું હતું.’
કોંગ્રેસ શાસિત તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યું કે, ‘રાજ્ય સરકાર અદાણી ગ્રુપ દ્વારા ઓફર કરવામાં આવેલા યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટી માટે રૂ. ૧૦૦ કરોડનું દાન સ્વીકારશે નહીં. અમારા પર દાનનો અસ્વીકાર કરવાનો કોઈ પ્રેશર નથી. ગ્રુપ પર લગાવવામાં આવેલા આરોપોને ધ્યાનમાં લેતાં અમે રાજ્યના હિત માટે આ ર્નિણય લીધો છે.’
રાજ્ય સરકારે અદાણી ગ્રુપ પર રૂ. ૨૨૦૦ કરોડના લાંચના આરોપોના પગલે વિવાદોથી દૂર રહેવાં આ ર્નિણય લીધો છે. રાહુલ ગાંધીએ પણ ગૌતમ અદાણીની તાત્ત્કાલિક ધોરણે ધરપકડ કરવા માગ કરી હતી. તેમજ તેના શાસક રાજ્યોને સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો હતો કે, રાજ્ય તથા કેન્દ્ર સરકારે ટેન્ડર્સ માટે પારદર્શક આમંત્રણ જાહેર કરવા જોઈએ. લોકશાહી દેશમાં યોગ્ય પ્રક્રિયા મારફત ટેન્ડર્સની ફાળવણી કરવી જોઈએ. પછી ભલે અદાણી હોય કે, અંબાણી કે ટાટા.’ ઘણી કંપનીઓએ યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટી માટે ફંડ આપ્યું છે. અદાણીએ પણ તેલંગાણા રાજ્ય સરકારને રૂ. ૧૦૦ કરોડ આપવાની દરખાસ્ત કરી હતી. પરંતુ આ આરોપો બાદ તેલંગાણા અદાણી ગ્રુપ પાસેથી રૂ. ૧૦૦ કરોડનું ફંડ લેશે નહીં.