Last Updated on by Sampurna Samachar
મેગા ઓક્શનમાં રહ્યા અનસોલ્ડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ૨૦૨૫ મેગા હરાજીના બીજા દિવસે આશ્ચર્યજનક ઘટના બની. અજિંક્ય રહાણે અને કેન વિલિયમ્સન સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓ પ્રથમ રાઉન્ડમાં વેચાયા નહીં. પૃથ્વી શો અને મયંક અગ્રવાલ માટે પણ કોઈએ બોલી ન લગાવી. વિલિયમ્સનની બેઝ પ્રાઈસ ૨ કરોડ રૂપિયા હતી. જ્યારે રહાણેની બેઝ પ્રાઈસ ૧.૫૦ કરોડ રૂપિયા હતી. પૃથ્વી શોની બેઝ પ્રાઈસ માત્ર ૭૫ લાખ રૂપિયા હતી. પૃથ્વી ટીમ ઈન્ડિયાથી બહાર થયા બાદ ડોમેસ્ટિક ટીમમાંથી પણ બહાર થયા હતા. તેમની વિરુદ્ધ એક્શન પણ લેવામાં આવ્યું હતું.
રહાણે ટીમ ઈન્ડિયાથી ઘણા સમયથી બહાર છે. વિલિયમ્સન પણ ઘણા સમયથી ટીમથી બહાર છે. રહાણે પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી ચૂક્યા છે. પરંતુ આ વખતે હરાજીમાં કોઈએ તેમને ખરીદ્યા નહીં. વિલિયમ્સનની વાત કરીએ તો તેઓ ગુજરાત ટાઈટન્સનો ભાગ હતા. પરંતુ હવે તેમને પ્રથમ વખતમાં કોઈએ ખરીદ્યા નહીં. આ બંને ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે IPL માં પણ ધમાલ મચાવી છે.
પૃથ્વી લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર છે. તાજેતરમાં જ મુંબઈએ પણ તેને ટીમમાંથી બહાર કરી દીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૃથ્વી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્ય બોર્ડ પણ તેની ફિટનેસને લઈને નાખુશ હતું. પૃથ્વી અગાઉ દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. પરંતુ ટીમે તેને પડતો મૂક્યો હતો. IPL માં પૃથ્વી અત્યાર સુધી ૭૯ મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન ૧૮૯૨ રન બનાવ્યા છે.
ટીમ ઈન્ડિયા માટે રમી ચુકેલા મયંક અગ્રવાલ પણ વેચાયા વગરના રહ્યા. મયંક IPL માં ઘણી ટીમો માટે રમી ચૂક્યો છે. તેની મૂળ કિંમત ૧ કરોડ રૂપિયા હતી. પરંતુ તેઓ પ્રથમ વખત વેચાયા વગરના રહ્યા. શાર્દુલ ઠાકુરે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ તેઓ પણ વેચાયા વગરના રહ્યા. ન્યુઝીલેન્ડના ખેલાડી ગ્લેન ફિલિપ્સ પર પણ કોઈએ બોલી લગાવી નથી.જો કે આ ખેલાડીઓના નામ ફરી લેવામાં આવી શકે છે, તેમ છતાં ટીમો તેમને ખરીદી શકે છે.