ટુ-વ્હીલર લઈને આવતા સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત
સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓને પરિપત્ર જાહેર કરી સૂચના અપાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં ટુ-વ્હીલર લઈને આવતા સ્ટાફ અને વિદ્યાર્થીઓએ હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના DGP વિકાસ સહાયે આ મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે.
આ ર્નિણયનો હેતુ રોડ સેફ્ટીને પ્રોત્સાહન આપવાનો અને દુર્ઘટનાઓમાં ઘટાડો કરવાનો છે. આ ર્નિણયનો અમલ કરવા માટે રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓને પરિપત્ર જાહેર કરી સૂચના આપવામાં આવી છે. તમામ યુનિવર્સિટીઓએ તેમના કેમ્પસમાં હેલ્મેટ ફરજિયાત કરવા માટે જરૂરી પગલાં ભરવાના રહેશે. જે વિદ્યાર્થીઓ અને સ્ટાફ હેલ્મેટ પહેર્યા વિના ટુ-વ્હીલર ચલાવતા પકડાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, રાજયમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજોમાં અંદાજીત ૧૬.૪ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ અવર-જવર માટે મોટા ભાગે ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે. એક અહેવાલ મુજબ રાજયમાં વર્ષ ૨૦૨૩ દરમિયાન માર્ગ પર અકસ્માત થવાના કારણે કુલ ૭,૮૫૪ લોકો મૃત્યુ પામેલ હતા, જેમાં ૨,૭૬૭ લોકોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થયા હતા. આ ઉપરાંત કુલ જીવ ગુમાવનારમાંથી ૨,૦૮૨ વ્યકિત ૨૬ વર્ષની નીચેની વયના છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ વયજુથમાં મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ હોય છે.
દરમિયાન માર્ગ સુરક્ષા આજના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો છે. હેલ્મેટ પહેરવુ એ એક સરળ પરંતુ અત્યંત અસરકારક પગલુ છે. હેલ્મેટનો ઉપયોગ કરવાથી માથાના ભાગે ઘાતક ઇજાના જોખમને ઘટાડી શકાય છે. જે ગંભીર ઇજાઓને રોકી શકવામાં મદદરૂપ થાય છે અને જીવ બચાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૨૯ મુજબ ટુ-વ્હીલર ચાલક તેમજ પાછળ બેસનાર વ્યકિતએ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે.
ત્યારે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો રીટ પીટીશન દાખલ કરેલ છે. જે અંતર્ગત હાઇકોર્ટ દ્વારા ટુ-વ્હીલર ચલાવનાર તેમજ તેની પાછળ બેસનાર વ્યકિતએ ફરજીયાતપણે હેલ્મેટ પહેરવા અંગેની અમલવારી કરવા જણાવેલ છે. આ ઉપરાંત રાજયની તમામ સરકારી કચેરીઓના પરિસરમાં ટુ-વ્હીલરનો ઉપયોગ કરતા અધિકારીઓ/કર્મચારીઓ/સ્ટાફ માટે હેલ્મેટ પહેરવા અંગે જરૂરી સૂચના ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ છે.