ત્રણ વર્ષ માટે પ્રશાંત વજીરાણીના ડૉક્ટર તરીકેના વિવિધ લાયસન્સ રદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યાં હતા. જેમાં PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. સમગ્ર મામલે ખ્યાતિ હોસ્પિટલના ડૉ. પ્રશાંત વજીરાણી સહિત પાંચ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. જ્યારે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ડૉ. પ્રશાંત વજીરાણીના ત્રણ વર્ષ માટે ડૉક્ટર તરીકેના વિવિધ લાયસન્સ રદ કર્યાં છે.
ગાંધીનગર સ્થિત તબીબી સેવાના અધિક નિયામકે ૧૪ નવેમ્બરે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પત્ર લખીને ખ્યાતિ કાંડના આરોપી જવાબદાર તબીબી પ્રેક્ટિશનરો સામે યોગ્ય પગલા લેવા જણાવ્યું હતું. ત્યારબાદ કાઉન્સિલ દ્વારા લેવાયેલા સુઓમોટોને ધ્યાને લેવામાં આવ્યું અને ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિના સભ્યોને સાંભળા બાદ યોગ્ય વિચારણ કરાઈ હતી. જેમાં અંતે ગુજરાત મેડિકલ કાઉન્સિલ સહિતની જનરલ બોડીએ ડૉ. પ્રશાંત વજીરાણી વિરુદ્ધમાં સચોટ પગલા લીધા હતા.
ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ, ૧૯૬૭ની કલમ ૨૨(૧)(B)(I) હેઠળનું ડૉ. પ્રશાંત વજીરાણીનું MBBS , MD મેડિસીન, DNB મેડિસીન, DNB કાર્ડિયોલોજીનું લાયસન્સ ત્રણ વર્ષ માટે રદ કરવામાં આવ્યું છે. તેમજ જરૂરી ડોક્યુમેન્ટ પણ સમર્પિત કરવાનો નિર્દેશ કર્યો હતો.
કડીમાં બોરીસણા ગામે ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી ૧૯ દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. જેમાં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જીયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ ૭૦ વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને ૫૦ વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીના મોત નિપજ્યા હતા.