સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરોમાં આક્રોશ
ભાજપા કાઉન્સિલરોની રજૂઆતોને વિપક્ષે આપ્યું સમર્થન
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષી કાઉન્સિલર્સે લોકોને પડતી અસુવિધાઓ મુદ્દે ભારે આક્રોષ વ્યક્ત કર્યો. કોર્પોરેશનના અણઘડ વહીવટને કારણે લોકોને શહેરમાં મર્યા પછી પણ સુવિધા નસીબ થતી નથી. સ્મશાનમાં લાકડા સહિતની સુવિધા ન હોવા મામલે રોષ ઠાલવ્યો. વિપક્ષે અસુવિધા મામલે જવાબદાર જે તે અધિકારી સામે એક રૂપિયો કપાતની સંયુક્ત દરખાસ્ત લાવવાની માંગ કરી
વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. આ સભામાં શહેરના સ્મશાનોમા લાકડાં સહિતની સુવિધાઓ ન હોવાની રજૂઆત કરતા ખુદ સત્તાપક્ષ ભાજપના કોર્પોરેટરોએ આક્રોશ ઠાલવ્યો હતો. ભાજપા કાઉન્સિલરોની રજૂઆતોને સમર્થન આપતાં વિપક્ષે જવાબદાર અધિકારી સામે એક રૂપિયો કપાતની સંયુક્ત દરખાસ્ત લાવવાની માંગ કરી હતી. જોકે, વિપક્ષની દરખાસ્ત લાવવાની માંગ કરતા સત્તાપક્ષ પાણીમાં બેસી ગયું હતું. પૂર્વ મેયર નીલેશ રાઠોડે સામાન્ય સભામાં અધિકારીઓને ચીમકી આપતાં જણાવ્યું હતું કે, અધિકારીઓ અમારા કામ કરતા નથી. હવે હદ થઇ ગઇ છે. સહનશક્તિ ખૂટી છે, હવે અધિકારીઓને સહન નહિ કરીએ. આરોગ્ય અમલદાર દેવેશ પટેલ ઉડાઉ જવાબો આપતા હોવાના પણ કાઉન્સિલરોએ આક્ષેપ કર્યા હતાં.
સ્મશાનોમા લાકડાં સહિતની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ ડો. દેવેશ પટેલ સામે એક રૂપિયો કપાતની દરખાસ્ત લાવવા ભાજપા કાઉન્સિલર ઘનશ્યામ પટેલે રજૂઆત કરી હતી. ભાજપા કાઉન્સિલરો મનિષ પગારે, ઘનશ્યામ પટેલ, તેજલબેન વ્યાસ અને કોંગ્રેસના કાઉન્સિલરો પુષ્પાબેન વાઘેલા, જહાં દેસાઇ સહિત તરસાલી, અકોટા, બહુચરાજી, રામનાથ, ઠેકરનાથ, નિઝામપુરા, વાસના, ભાયલી સહિતના શ્મશાનની બદ્દતર હાલતને લઈ રોષ વ્યક્ત કર્યો હતો. અને આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલ કોર્પોરેટરોને યોગ્ય જવાબ આપતા ન હોવાના આક્ષેપ કર્યા હતા. ડો. દેવેશ પટેલને એસી ઓફિસ અને ગાડીમાંથી બહાર કાઢો.