Last Updated on by Sampurna Samachar
હાઇવે પરથી ૧.૪૭ કરોડનું કોકેઈન ઝડપી પાડ્યું
બે મહિલા સહિત ચારની ધરપકડ કરાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છમાં હાઈવે પર આવેલી હોટલ અને ઢાબા પર દેશી-વિદેશી દારૂથી લઈને ડ્રગ્સ સુધીનું વેચાણ થતું હોવાની SOG અને લાકડીયા પોલીસને જાણકારી મળી હતી. જેમાં પોલીસને લાકડીયા નજીકની એક હોટેલના માલિકની કોકેઈન કેસમાં સૂત્રધાર હોવાની શંકા હતી. જેને લઈને પોલીસે અન્ય રાજ્યમાંથી આવતા વાહનોનું હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં SOG એ ૧.૪૭ કરોડના કોકેઈનના મુદ્દામાલ સાથે બે મહિલા સહિત ચારની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.
મળતી માહિતી મુજબ, કચ્છમાં હાઈવે પરના હોટલે અને ઢાબા પર દારુ અને ડ્રગ્સનું વેચાણ થતું હોવાની જાણ થતાં ગત ગુરુવારે ર્જીંય્ અને લાકડીયા પોલીસની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભારત હોટેલ પાસેની મઢી ત્રણ રસ્તે હરિયાણાના પાસિંગની ઈકો કાર સંકાસ્પદ જણાતા પોલીસે તપાસ કરી હતી. જેમાં કારના એર ફિલ્ટર નીચે છૂપાયેલું કોકેઈન ઝડપાયું હતું.
સમગ્ર મામલે લાકડીયા પોલીસે ૧.૪૭ કરોડ રૂપિયાની કિંમતનું ૧૪૭.૬૭ ગ્રામ કોકેઈન જપ્ત કર્યુ હતું. જેમાં પોલીસે બે મહિલા સહિત ચાર શખસોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. પોલીસે કાર ચલાવનાર હનિસિંઘ નામના શખસની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, સન્નીસિંઘ ઊર્ફે ગુલવંતસિંઘ હજુરાસિંઘ શીખે કાર આપી હતી અને તેની પત્ની સુમન ઊર્ફે જશપાલકૌરને સામખિયાળી મૂકવાનું કહ્યું હતું. સન્ની સામખિયાળી રહે છે અને લાકડીયા પાસેની આશિષ સિદ્ધુ સરદાર પંજાબી હોટેલ ભાડેથી ચલાવે છે. સુમન સામખિયાળી મૂકવા ગયો ત્યારે તેનો ભાઈ સંદિપસિંઘ અને ભાભી અર્શદીપકૌર સાથે હતા.
સન્ની કચ્છમાં ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની પોલીસને શંકા હતી. જે હજુ સુધી ઝડપાયો નથી. ૨૦૨૧માં લાકડીયા પોલીસ સ્ટેશનમાં સન્ની અને હનિસિંઘ વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જ્યારે માંડવીમાં આશિષ મહારાજ નામના શખસના હત્યાના કેસમાં હનિસિંઘને ઝડપી પાડવામાં આવ્યો.