રામાયણ ભજવતા કલાકારે જીવતા પશુ પર હિંસા કરી
ઘટના બાદ સમગ્ર રાજ્યમાં હોબાળો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓડિશાના ગંજમ જિલ્લાના રાલબ ગામમાં રામાયણ નાટકના મંચન દરમિયાન એક એવી ઘટના સામે આવી જેણે સૌ કોઈને હચમચાવી નાખ્યા. ૨૪ નવેમ્બરે, નાટકમાં એક રાક્ષસની ભૂમિકા નિભાવી રહેલા ૪૫ વર્ષીય અભિનેતા બિંબહાર ગૌડાએ મંચ પર એક જીવતા ભૂંડનું પેટ ફાડીને તેનું કાચું માંસ ખાઈ લીધું. આ ઘટના હિંજિલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થઈ, તેણે આખા રાજ્યમાં હોબાળો મચાવી દીધો.
આ નાટકનું આયોજન ગામના કાંચિયાનાલા યાત્રા અંતર્ગત કરવામાં આવ્યું હતું. ઘટના બાદ અભિનેતા બિંબહાર ગૌડા અને નાટકના આયોજકો વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી અને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે ધરપકડ કરાયેલા આયોજકોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. હિંજિલી પોલીસ સ્ટેશનના પ્રભારી શ્રીનિવાસ સેઠીએ જણાવ્યું કે, “આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.”
આ ઘટના બાદ આખા રાજ્યમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. તેમજ વિધાનસભામાં આ ઘટનાની આકરી નિંદા કરવામાં આવી. સત્તાધારી ભાજપના સભ્ય બાબુ સિંહ અને સનાતન બિજુલીએ ક્રૂર ઘટના પર રોષ વ્યક્ત કર્યો. પશુ અધિકાર કાર્યકર્તાઓએ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
નાટકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ અધિકારીઓ તરત કામે લાગી ગયા. બરહામપુર પ્રભાગીય વન અધિકારી સની ખોકરે જણાવ્યું કે, “મંચ પર સાંપોનું પ્રદર્શન કરનારા લોકોની પણ ધરપકડ કરવામાં આવશે. રાજ્ય સરકારે ગત વર્ષે ઓગસ્ટમાં જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશ અંતર્ગત જાહેર પ્રદર્શનમાં સાપોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો, પણ આ નિયમોનું પાલન ન કરનારા વિરુદ્ધ હવે કડક કાર્યવાહી થશે.”