મહિલા રિકવરી એજન્ટ સહીત બે સામે ગુનો દાખલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોન પર લીધેલી લોડિંગ ગાડીના હપ્તા સમયસર ભર્યા હોવા છતાં ગાડી ઉઠાવવા બેંકના રિકવરી એજન્ટ આવ્યા હતા. જેથી યુવકે તેમને ગાડીના હપ્તા સમયસર ભર્યાં હોવાનું જણાવ્યું હતું. જોકે, મહિલા રિકવરી એજન્ટ ગુસ્સે થઇ હતી અને તેણે યુવકને ફટકાર્યો હતો.
આ દરમિયાન બીજો એજન્ટ આવી ગયો હતો તેણે પણ લાકડી વડે યુવક પર હુમલો કર્યો હતો. ઉપરાંત હવે અહીંયા દેખાયો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ મામલે યુવકે મહિલા સહિત બે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.
મળતી માહિતી મુજબ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ૩૫ વર્ષિય આકાશ હરીશચંદ્ર પાલ પરિવાર સાથે રહે છે અને સ્ક્રેપનો વેપાર કરે છે. ગઇકાલે સવારે આકાશ પોતાના ઘરે હાજર હતો ત્યારે તેના મિત્ર નીલીપકુમાર રાજપૂતે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, હું મારા વતન ઉત્તર પ્રદેશ ખાતે છું. મારી લોડિંગ ગાડીના પૂરેપૂરા હપ્તા ભર્યા હોવા છતાં રિકવરી એજન્ટ ઉઠાવવા આવ્યા છે. જેથી તાત્કાલીક આકાશ ત્યાં પહોંચ્યો હતો. ત્યારે ત્યાં ઇન્ડસઇન્ડ બેંકની રિકવરી એજન્ટ કાજલબહેન ગુરમુરે ત્યાં હાજર હતા. જેથી આકાશે કાજલબહેનને પૂછપરછ કરી હતી કે, ગાડીના હપ્તા પૂરેપૂરા ભરાયેલા છે તેમ છતાં તમે કેમ ગાડી ઉપાડવા માટે આવ્યા છો.
ત્યારે કાજલબહેન ઉશ્કેરાઇ ગયા હતા અને આકાશને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન બેંકનો બીજો રિકવરી એજન્ટ દિનેશ ભીખાભાઇ દેસાઇ પણ ત્યાં આવી ગયો હતો. તેણે પણ કાજલબહેનનું ઉપરાણું લઇ આકાશને ગાળો આપી હતી અને લાકડીના દંડા વડે હુમલો કર્યો હતો. પછી કાજલબહેને આકાશને પકડી લીધો હતો અને દિનેશે લાકડી વડે તેને માર માર્યો હતો. આ સમયે બૂમાબૂમ થતા આસપાસના લોકો ત્યાં આવી ગયા હતા અને આકાશને વધુ મારથી બચાવ્યો હતો. ત્યારે દિનેશે ધમકી આપી હતી કે, ફરીથી અહીંયા દેખાયો તો આ લાકડી માથામાં મારીને જાનથી મારી નાખીશ. આ મામલે આકેશે કાજલબહેન અને દિનેશ સામે રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.