ટોળાએ અનેક વાહનોમાં આગ લગાવી
મૃતક વ્યક્તિ કે હિંસક ટોળાની ઓળખ થઈ શકી નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણાના ભાન્ડુમાં એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરની અડફેટે એક યુવાનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ત્યાં હાજર ટોળું ઉશ્કેરાઈ ગયું અને બબાલ કરી હતી. જેમાં તોડફોડ અને આગ ચંપીની ઘટના સામે આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાન્ડુ વિસ્તારમાં ડમ્પરે એક યુવાનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો, જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં યુવકની મોતથી ત્યાં હાજર લોકો રોષે ભરાયા હતાં અને ડમ્પર ચાલક સાથે બબાલ શરૂ કરી દીધી હતી. યુવકના મોત બાદ મામલો એટલો વધી ગયો કે, ત્યાં હાજર લોકો હિંસા પર ઉતરી આવ્યા હતાં.
ઉશ્કેરાયેલા ટોળાએ ત્યાં હાજર ટ્રેક્ટર અને બે બાઇકને આગ લગાવી સળગાવી દીધી હતી. આ સિવાય ત્યાં હાજર અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, અકસ્માતમાં મૃતક વ્યક્તિ કે હિંસક ટોળાની ઓળખ થઈ શકી નથી. જોકે, આ હિંસક દ્રશ્ય દરમિયાન કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી. પરંતુ, ત્યાં હાજર માલ-સામાનને મોટી માત્રામાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.